॥ જય જય શ્રી મામલ માઁ॥
આપણી કુળ દેવી ✦ આપણી શાશ્વત રક્ષકOur Ancestral Goddess ✦ Our Eternal Protector
આ વેબસાઇટ આપણી કુળદેવી શ્રી મામલ માઁ, જખ દાદા અને સગત માઁ ના ઇતિહાસ અને ધાર્મિક વિધિઓ માટે છે .This website is for our Kuldevi Mamal Maa, Jakh dada and Sagat Maa's history and rituals.
🐪 વાહન — ઊંટVahana — Camel
આપણી કુળ દેવી, જેમની કૃપા અને રક્ષા પેઢી દર પેઢી આપણા પરિવારને માર્ગ દર્શાવે છે.Our ancestral goddess whose grace guides our family across generations.
✦ દૈવી દેવીDivine Goddess
પૂજ્ય સગત માઁ, જેમના આશીર્વાદ આપણા વંશને સર્વ વિઘ્નથી રક્ષે છે.The revered Sagat Maa whose blessings shelter our lineage from all adversity.
જખ દેવ ૧Jakh Dev I
પ્રથમFirst
જખ દેવ ૨Jakh Dev II
દ્વિતીયSecond
જખ દેવ ૩Jakh Dev III
તૃતીયThird
જખ દેવ ૪Jakh Dev IV
ચતુર્થFourth
જખ દેવ ૫Jakh Dev V
પંચમFifth
મારવાડ દેશમાં આવેલ લા ખેણા-ભારાણી ગામમાં (ભીનમાલ) (જિલ્લો-જાલોર-રાજસ્થાન) પરમાર વંશના ક્ષત્રિય રાજપુત શ્રી રણમલજી રહેતા હતા. એમને એક પુત્ર હતો. જેનો જન્મ વિક્રમ સંવત ૧૨૪૫ માગસર સુદી ૭ શનીવારના થયેલ. જેનું નામ હરીઆજીકુમાર હતું. તેઓ પોતાની પત્ની સંગાથે રાત્રે સૂતેલા હતા. તેમની પત્નીનો ચોટલો નીચે લટકતો હતો. એ ચોટલામાં કલાપ કેવડાનો કરેલ હોવાથી તે કેવડાની સુંગધથી એક વિષધર સર્પ ઓરડાની અંદર આવ્યો તે ચોટલાના આધારે તે વિષધર સર્પ પલંગ પર ચડ્યો. ચોટલામાં કેવડાના ફૂલની ખુશ્બ ઉપર લીન બની તે સર્પ ચોટલાને ભરડો લીધો અને નિંદ્રામાં પડખુ બદલતા હરીઆજીને વિષધર સર્પ ડંખ કર્યો. આ સર્પના ઝેરથી હરીઆજી મૂર્છિત થઇને મોઢામાંથી ફીણ ઓકવા લાગ્યા. શ્વાસોશ્વાસ થંભી ગયા. ઘણા ઉપચાર કરતા પણ કોઇ કારી ફાવી નહીં. બીજી સવારે મૂર્છિત થયેલ હરીઆકુમારને મરણ પામેલો જાણીને તેના સ્વજનો સ્મશાને લઇ જતા હતા. બાજુના રસ્તા પરથી સ્થંડિલ ભૂમિથી પાછા આવતા જૈનાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિએ વિલાપ કરતા લોકો ને જોયા, અને શું હકીકત છે તે જાણીને ગુરુ મહારાજે વિચાર્યું કે જેને સર્પ દંશેલો હોય તેવા મનુષ્યો ખાસ કરીને ઘણા સમય સુધી મૂર્છિત હાલતમાં મૃત્યુ પામેલા દેખાય છે. એમ વિચારીને ગુરુ મહારાજે લોકો ને કહ્યું કે એક વખત અમોને મૃત્યુ પામેલ કુમારને જોવા દો. લોકો એ કહ્યું કે ગુરુ મહારાજ હવે તો આ મડદાને જોવાનું આપણું શું પ્રયોજન છે કે હોઇ શકે ? ત્યારે ફક્ત પરોપકાર કરવામાં તત્પર એવા ગુરુ મહારાજે કહ્યું કે મહાનુભાવો, જેઓને સર્પે દંશેલો હોય એવા મનુષ્યો ઘણા વખત સુધી મરણ પામતા નથી પણ મરણ પામેલા જેવાજ દેખાય છે. માટે જો આ કુમાર મૂર્છિત થયેલ હશે તો વિષ પરાહના મંત્રથી મૂર્છા ઉતરી ગયા બાદ તે પાછો જીવતો થશે. આ જાતની ગુરુ મહારાજની વાણી સાંભળીને લોકો એ કુમારને દેખાડ્યો ત્યારે તેના શરીરના લક્ષણોથી ગુરુ મહારાજે તેને મૂર્છિત થયેલો જ માન્યો. તમે કુમારને એના મહેલે લઇ જાઓ. અમો સાધુઓ એમના મહેલે આવીએ છીએ. ગુરુ મહારાજના કહેવાથી તેના સ્વજનોએ હરિઆકુમારને પાછા ગામમાં એના મહેલે લઈ આવ્યા. ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે હરિઆકુમાર એના પલંગ પર સ્ત્રી સંગાથે સુવડાવ્યો અને ચોટલાને નીચે લટકતો રાખ્યો. ગુરુ મહારાજે વિષ પરાહના મંત્રથી વિષધર સર્પને બોલાવ્યો ને મંત્રથી આદેશ આપ્યો. સર્પે ચોટલા ઉપરથી પલંગે ચડીને હરીઆકુમારને જ્યાં ડંશ દીધેલો તે સ્થાને ચોંટીને પોતાના મુખેથી હરિઆકુમારના શરીરમાંથી પોતાનું વિષ પાછું ચુસી લીધું. તે સર્પ ત્યાંથી પાછો તુરતજ ચાલ્યો ગયો. વિષ પરાહના મંત્રથી ગુરુ મહારાજે હરિઆકુમારને પુનઃ સજીવન કર્યો, વિષ દૂર થવાથી તરતજ હરીઆ કુમાર પલંગ પર બેઠો થયો.
સગાવ્હાલા, ગુરુ મહારાજને એકઠા થયેલા લોકોને જોઈને તેમને એકઠા થવાનું કારણ પૂછયું. ત્યારે તેના માતા પિતાએ થયેલ સઘળી હકીકત સંભળાવી. આ સાંભળીને તે ખૂબજ આશ્ચર્ય પામ્યો. તેણે તરતજ ઉઠીને ગુરુ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વારંવાર વંદના કરી હાથ જોડી ઉભો રહ્યો. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી રણમલજી આદી સર્વે પરિવારોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. જાલોર નગર ત્યા ભીનમાલના સંઘે રણમલજી ઉર્ફે પેથડજીને કુટુંબ સહિત વિક્રમ સંવત ૧૨૬૬ની સાલે ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યા. અને એમના વંશજો હરીઆ અટકથી ઓળખાયા હરીઆજીએ ૧૨૬૬ની સાલે લાખણા ભારાણી ગામમાં શાંતિનાથજી પ્રભુનો ભવ્ય દેરાસર બંધાવ્યો અને તેના વંશજો અચલગચ્છ સમાચારી પાળે છે.
હરીઆકુમારની એક કુંવરી હતા જેમનો જન્મ સંવત ૧૨૬૯ મહાસુદ ૫ને મંગળવારના થયેલ જેનું નામ મામલ હતું. ચૌહાણ વંશમાં પ્રણાવેલ હતા પરંતુ કર્મ યોગે તે વિધવા થયા અને મામલે પોતાનું મન ધર્મ ધ્યાનમાં પરોવ્યું. આઠમ પાંખી વિગેરે પર્વોના દિવસે પૌષધ આદિ તપ-જપ કરતા. એક દિવસ તે કાઉસગ્ગ ધ્યાનમાં હતા તે દરમ્યાન ઘરમાં ઓચિંતી આગ લાગવાથી ચારે બાજુ અગ્નિ જ્વાળાઓ ફેલાઈ ગઈ. મામલ ધ્યાનસ્થ સ્થિતીમાં કાઉસગ્ગે હતા. તેથી તેઓ ઉઠ્યા નહીં. કુટુંબના માણસોએ ઘણીજ બુમો પાડી. ઘણું ઘણું સમજાવ્યું પણ ધ્યાન ભંગ ન થતા મામલ મોતને ભેટ્યા. મામલ મરણ પામીને ઋધ્ધિ-સિધ્ધવાળી વ્યંતરી થઈને તેણે પ્રત્યક્ષ થઈને પ્રત્યે સગાં સંબંધી સાસરીયા પક્ષે અને માવિત્ર પક્ષે બધાને સંબોધી કહ્યું કે હું તમારી ગોત્રીજ થઇશ. હવેથી મારા સાસરીયા ત્યા પિયરીઆ એટલી દેઢીયા અને હરીઆ ગોત્રવાળાઓએ મને ગોત્રજ સ્થાપવી હું બેઉ પક્ષોને તેજોમય બનાવીશ, ઉજ્જવલ કરીશ, આથી બન્ને પક્ષોએ આ વાત માન્ય રાખીને પોતાની ગોત્રજ કરીને સ્થાપી. ત્યારથી મામલ કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા અને તેમની યાદમાં લગ્ન, જન્મ, મુંડન ત્યા દિવાળીનાં પ્રસંગોએ અલગ અલગ રીત મુજબ જુહારની વિધિઓ કરવામાં આવે છે. આ હરીઆજીની કડી, આસગણ, સાંઇઆ, ગ્રંથલીયા નામની આ ચાર શાખાઓ થઇ.
આ વંશમાં મરુ ઘલીયા, વીજલ પાંમરીયા, સરવણ, નપાણી સાંઇઆ, કપાઇઆ, કોરાણી, વકીઆણી, નીકીઆણી, માલકાણી, ખેતલાણી, આમાગાણી, કાયાણી, હરીઆજી, પેથડાણી, સાંયાણી, પેથાણી, આશરાણી, અભરાણી વગેરે જુદી જુદી જાતની અટકો છે.
જખનું ઉદ્ભવ સ્થાન અને સાચો ઇતિહાસ ગમે તે હોય પરંતુ એટલું નિર્વિવાદ છે, કે પૂંરાના રાજ્યની શરૂઆતમાં જ ઇ.સ. ૮૮૫ની સાલ કે એની આસપાસ કચ્છને કાંઠે ૭૨ ભાઈઓ અને એક બહેન ઉતર્યા. જખૌ બંદર નામ પણ જખના નામ પરથી પડેલ જણાય છે. તેઓ ઉંચા કદના અને ગૌરવર્ણા હતા. તેઓની આંખો આસમાની કે માંજરી હતી તેઓ લાયઝેન શીઅમ પાસેના કોઇ પ્રદેશમાંથી આવ્યા હતા. ચારે તરફ દેશાટન કરી આવેલ કચ્છી ખલાસીઓ સમજી શકે તેવી કોઇ ભાષા આ પરદેશીઓ બોલી શકતા ન હતા. થોડા સમય સુધી તેઓ જખૌમાંજ રહ્યા અને કચ્છમાંજ વસવસાટ કર્યો. હાલે પણ તેમના માનમાં બંધાયેલ સ્થાનક અને કેટલીક મૂર્તિઓ ત્યાં જોવામાં આવે છે.
ત્યારબાદ તેઓ બબ્બે અને ત્રણ ત્રણના જુથમાં વહેંચાઇ જઇ ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા લાગ્યા તેઓ દવા દારુ ત્યા બીજી ઉપયોગી કળાઓમાં નિપુણ હતા. જ્યાં જ્યાં ગ્રામવાસીઓને મળતા ત્યાં ત્યાં દવા દારુ અને કળાઓ શીખવાડતા. જનતાની સારી પ્રીતી સંપાદન કરી હતી. લોકોપયોગી કામો કરવા માટે તેઓ ઝડપથી મુસાફરી કરી શકે તે માટે તેમને ઘોડાઓની બક્ષિસો આપવામાં આવતી હતી.
લોકપ્રિયતાને કારણે પૂંરાની આંખમાં તેઓ ખૂંચવા લાગ્યા. પધ્ધરગઢની પાસે કામ કરતા જખોના એક જૂથને પૂંરાએ કેદ કર્યા આથી બીજા જખો પધ્ધરગઢની આસપાસ એકત્ર થયા અને પોતાના સાથીદારોને મુક્ત કરવા પૂંરાને કાલાવાલા કર્યા પણ પૂંરાએ ચોખ્ખી ના પાડી. કકડભટની ટેકરી ઉપર સૌ જખ (રક્ષ) ભેગા થઇને પૂંરાની હીલચાલનું નીરીક્ષણ કરવા માડ્યું એક દિવસ જામ પૂંરો જ્યારે સ્નાન ગૃહમાં સ્નાન કરતો હતો ત્યારે જખોએ કકડભટની ટેકરી ઉપર એક ભારે યંત્ર ગોઠવ્યું હતું તેમાંથી એક ગોળા જેવું અસ્ત્ર છોડ્યું આ ગોળો મહેલના એક ખૂણાને એટલા જોરથી લાગ્યો કે પૂંરાને ગંભીર ઇજાઓ થઇ. ૪૦ દિવસ સુધી રીબાઇ રીબાઇને મરણ પામ્યો. તેની વિધવા રાજૈ રાણીએ વેર લેવા માટે બધા જખોને વીણી વીણીને કતલ કરાવ્યા. લોકો આ કમકમાટી છૂટે એવા અમાનુષી કૃત્યથી ભયભીત થયા. શાંતિ પ્રિય સ્વભાવ, કળા કૌશલ્ય, પ્રેમ અને વિદ્વતાના ઉંચા ધોરણ જખોના અનેક પરોપકારી કામો માટે યાદ કરવા લાગ્યા. આવા ગુણોને લીધે તેમને પૂજનીય માન્યા હોય એ પણ સંભવિત છે. તેમની અદભૂત શક્તિ વિશે જાત જાતની વાતો પ્રવર્તમાન છે. અને કચ્છના ઘણા ભાગોમાં તેમના નામે મંદિરો બંધાવી તેમને દેવ તરીકે પૂજવા લાગ્યા. આવા મંદિરો (જેને જખના થડાના નામથી ઓળખવામાં આવે છે.) કચ્છમાં હસ્તી ધરાવે છે. દરેક થડો કોઈ ટેકરી ઉપર બાંધવામાં આવેલ હોય છે. ૭૨, પુરુષો તથા એક સ્ત્રીને સફેદ પથ્થરની મૂર્તિઓ ઘોડેસવારના સ્વરૂપમાં ગોઠવેલી હોય છે. એક ફાનસમાં અખંડ જ્યોત બળતી રાખવામાં આવે છે. ફાનસને એક થાંભલા ઉપર લટકાવવામાં આવે છે. આ મૂર્તિઓ જેમ જેમ ઘસાતી આવે છે. તેમ બીજી મૂર્તિઓ તેની જગ્યાએ મૂકવામાં આવે છે. જૂની અને નવી મૂર્તિઓને સરખાવતા કાંઈ પણ ફેરફાર જોવામાં આવતો નથી. આ મૂર્તિઓના હાથમાં કોઈ પણ પ્રકારના આયુધો બતાવવામાં આવ્યા નથી. જાણે કે તેઓ ફેરીયા, વેપારીઓ કે પર્યટન કરતા વૈધો હોય તેવું દર્શાવવા મૂર્તિઓના એક હાથમાં પેટી અને બીજા હાથમાં કાગળનું ઓળીયું રાખવામાં આવ્યું છે. આ જખ ખરેખર કઇ જાતના લોકો હશે તે કહેવું મુશ્કેલ છે. એમના નામો પણ કચ્છી ભાષામાં એટલા તો અપભ્રંશ થઇ ગયા છે કે અસલ શબ્દો શું હશે, તે શોધી કાઢવું મુશ્કેલ છે. જખ સંબંધી જુદી જુદી દંતકથાઓમાં કકડ અને સાંયરી નામો છે.
શેરડી ગામની પૂર્વ દિશામાં વથાણાથી થોડે દૂર કુંવારી સતિનો પાળિયો હતો. એવી લોકવાયકા છે, કે સંવત ૧૮૩૮ પોષ સુદ ૬ બુધવારને દિવસે વકીયા મેરગની દિકરી ગોરબાઈ, જેનું સગપણ ગામમાંજ નક્કી થયેલ, તે ગોરબાઈ પોતાના બાપ વકીઆને બપોરનો ભતાર (ભાથું) આપવા ખેતરે જતી હતી જેની સાથે ગોરબાઈનું સગપણ થયેલો તેનો ખેતર એજ રસ્તા પર આવતું હતું. ગોરબાઈને આવતી જોઈ એનો મંગેતર મળવા માટે દોડીને આવતો હતો. સેંઢે પહોંચતાજ વિષધર સાપે કરડયો અને તે ત્યાં જ તેનું મૃત્યુ થયું. ગોરબાઈને વિચાર આવ્યો કે મને મળવા આવતા જ એનું મૃત્યુ થયું એટલે એણે સતી થવાનો પોતાનો મક્કમ નિર્ણય ત્યાંજ કર્યો. લગ્ન થયાં ન હોવા છતાં ગોરબાઈ સતી થઇ એટલે તે કુંવારી સતી તરીકે એની યાદમાં એનો પાળિયો ઉભો કરવામાં આવ્યો. આજે પણ ઘણાં લોકો એની માનતા માને છે અને પૂજા કરે છે. વકીઆના વંશજો આજે શેરડીમાં વસવાટ કરે છે.
મારવાડ દેશમાં આવેલા મહાલપુર નામના ગામમાં પોરવાડ વંશમાં શ્રી ચંદ્ર નામના એક વેપારીની રાજલદે નામની શીલવાળી ગુણવાન સ્ત્રીને વિક્રમ સંવત ૧૨૦૮ માં એક ઉત્તમ લક્ષણોવાળો પુત્ર જન્મ્યો જેનું નામ ધનકુમાર પાડ્યું. એક સમયે તેમના ગામમાં મુનિશ્રી જયસિંહ સૂરિજી પધારેલા. (એમના ગુરુ ૪૭મી પાટે અચલગચ્છ પ્રવર્તક શ્રી આર્યરક્ષિતસૂરિ સંવત ૧૧૩૬ દરમ્યાન થઇ ગયા) એમની ધર્મ દેશના સાંભળીને શ્રી ધનકુમારે વિક્રમ સંવત ૧૨૨૬માં દીક્ષા લીધી અને તેમનું નામ ધર્મઘોષ મુનિ રાખવામાં આવ્યું. આમ આ ધર્મઘોષમુનિ અનેક શાસ્ત્રોમાં પારંગત થયા. વિક્રમ સંવત ૧૨૩૦માં તેમને ઉપાધ્યાયની પદવી મળી. શ્રી ધર્મઘોષ મુનિ બહુજ પ્રભાવશાળી અને જ્ઞાની હતા જે જે ગામોમાં વિહાર કરતા તે તે ગામોનાં પુરુષો ઉપર તેઓ એવો પ્રભાવ પાડતા કે જેથી તેમની ધાર્મિક વાણીથી અન્ય જ્ઞાતિના લોકો પણ એ જમાનામાં જૈન ધર્મનો સ્વીકાર કરતા. સંવત ૧૨૬૯ના વૈશાખ સુદ ૩ ના વિધિપક્ષ ગચ્છની જાહેરાત થઇ. વિધિપક્ષનું બીજું નામ અચલગચ્છ.
(માતાજીને બેસાડવાની રીત)
માતાજીને ઘરે જે સ્થળે બેસાડવાના હોય તે જગ્યામાં લીંપણ કરવું. થોડી માટી થોડુંક પાણી મેળવી બે ફૂટ લાંબી અને છ ઇંચ પહોળી જગ્યામાં લીંપણ કરવું એવી જ રીતે છનામાં પણ બેસાડવું. ચોકને પાણીમાં પલાળીને પણ લીંપણ કરી શકાય.
એક થાળીમાં લસા કાપડની જીણી પાથરવી તેના ઉપર બાંધણીની જીણી પાથરવી. પછી માતાજીને આગળની પહેરેલી જુની જીણી ઉતારી લઇ નવી બાંધણીની જીણી પહેરાવવી તેવીજ રીતે લસા કાપડની જીણી પહેરાવવી. સગત માતાજીની પણ જુની જીણી બદલાવી નવી લસા કાપડની જીણી પહેરાવવી. પોડસા બાપાની જુની જીણી બદલાવી નવા સફેદ કાપડની પહેરાવવી. મામલ માતાજીની જુની જીણીઓને માતાજીનું સ્વરુપ આપી બહુમાનપૂર્વક થાળીને વચ્ચે પધરાવવા. એવીજ રીતે સગત માતાજી, પોડશા બાપાને માતાજીને અડખે પડખે બહુમાન પૂર્વક પધરાવવા.
માતાજીની બાંધણી જીણી ૨. માતાજીની લસાની જીણી-૨. સગત માતાજીની લસાની જીણી-૧ પોળશા બાપાની સફેદ જીણી-૧. બેઠક કરવા માટે લશા કાપડનો ટુકડો-૧ બાંધણીનો ટુકડો-૧.
છોકરા યા છોકરીના લગ્ન હોય ત્યારે માંડવાની વિધિ પહેલા માતાજીને પધરાવવા. જાનની સાથે માતાજીને વાડીમાં તેડી જવા. માતાજીને પોતાનો ગોત્રિય કુટુંબીજન હોય તેજ લઇ શકે.
માતાજીની પધરામણી કર્યા બાદ માતાજી આગળ ૧.૨૫ કિલોગ્રામ ઘઉં (આખા) રાખવાના તેના ઉપર શ્રીફળ નંગ-૧ રાખવો. ઘીનો દીવો અખંડ ચાલુ રાખવો માતાજી આગળ મિઠાઇનો પ્રસાદ ધરવો.
વ્યક્તિએ અચુક જ સ્થાનિકે હાજરી આપવી. (૧) સગત માતાજી (૨) મામલ માતાજી (૨) પુડશા દાદાના જુહાર. ભાવિકોનું જ્યાં પોતાનો વસવાટ હોય ત્યાં જુહાર કરી શકે છે. મામલ માતાજીની છબી રાખી અગરબત્તી અને દીવાબત્તી કરીને જુહાર ચડાવી શકશો. વર્ષમાં ત્રણ વખત નીચેની તિથિઓ પ્રમાણે જુહાર થઇ શકે છે:
(૧) કાળી ચોદસ, દિવાળી, એકમ.
(૨) કારતક સુદ ચોદસ, પૂનમ, એકમ.
(૩) ચૈત્ર સુદ ચોદસ, પૂનમ એકમ.
ચીરની રીત: માતાજીના સ્થાનકે જઇને ચીર ઉતારવા. બાળકની ફઇએ સોનાની વીંટી અથવા કેણામાં વાળ પકડીને વાળની એક ચગ કાપવી. એ વાળ બરાબર સંભાળી રાખવા. અવસરે નદી અથવા દરીયામાં તારી આવવા. માથાના બીજા વાળ પોતાની સગવડ મુજબ જેમ બને તેમ જલ્દી ઉતારીને તારી આવવા.
લગ્ન પ્રસંગ, ચીડ જુવાર, મુંડનના જુહાર કચ્છમાં માતાજીના સ્થાનમાં જઇને ત્યાં જ જુહાર કરવાના હોય છે. છેડા છેડી, સ્થાનિકે જ છોડવી.
(૧) પ્રસવવાળી સ્ત્રી: પુત્ર યા પુત્રી જન્મે તો ૧૨ દિવસનું સૂતક સમજવું. બાર દિવસ પછી બીજા કોઇ કુટુંબીના ઘરે જુહાર કરીને માતાજીને ચડાવી શકો. પ્રસવવાળી સ્ત્રીએ જ્યાં જુહાર હોય ત્યાં જવું નહિ અને સ્થાનકમાં પણ જવું નહિ.
(૨) જન્મ સંબંધી સૂતક: પહેલી વખત ગર્ભ ધારણા કર્યાની જાણ થયેથી પ્રસવ થાય ત્યાં સુધી ગર્ભવતી સ્ત્રીએ માથું ધોવાની મનાઇ હોય છે. ૪૦ દિવસ સુધી પોતાના ઘરે જુહાર કરી ન શકે અને સ્થાનકમાં જઇ ન શકે. ૪૦ દિવસ સૂતક સમજવું. ગાય, ભેંસ, બકરી, ઘોડી ઘેર પ્રસવે તો ૨ દિવસનું સૂતક સમજવું.
(૩) મૃત્યુ સંબંધી સૂતક: જન્મે તેજ દિવસે મરણ થાય તો એક દિવસનું સૂતક સમજવું. આઠ વર્ષથી નાના બાળક માટે આઠ દિવસનું સૂતક સમજવું. આઠ વર્ષથી વધારે ઉમરવાળાનું મરણ થાય તો બાર દિવસનું સૂતક સમજવું. કસુવાવડ થાય તો જેટલી માસનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક સમજવું. આપણાં ઘરમાં રહેનાર નોકરનું મરણ થાય તો ત્રણ દિવસનું સૂતક સમજવું. ગાય કે મોટા પ્રાણીનું મરણ આપણા ઘરે થાય તો એક દિવસનું સૂતક સમજવું.
(૪) રજસ્વલા સ્ત્રી સંબંધી સૂતક: ૫ દિવસનું સૂતક સમજવું.
સૂરજ ઉગ્યો રે કેવડીયાની ફણસ, કે વેણલા ભલે વાવ્યા રે.
સુતા જાગો રે કઈ વહુના કંથ, કે વેણલા ભલે વાવ્યા રે.
ઉઠી લેજો રે અરિહંતનું નામ, કે વણલા ભલે વાવ્યા રે.
દાતણ કરજો રે કણયારની કામ, કે વેણલા ભલે વાવ્યા રે.
હાથમાં લેજો રે સોનાની જારી, કે વેણલા ભલે વાવ્યા રે.
પાણી નાખજો રે તુલસીને ક્યારે, કે વેણલા ભલે વાવ્યા રે.
પને ફૂલે ભરાઇ છે છાબ અગળા રાયની દાબલી, શેરી સાંકડી માય રે. ગણેશ દેવ સામા મળ્યા.
ગણેશ દેવ તારી ગોરલ વહુને મેલો રે. અમારે ઘેર.
(ગૌરાણી અમારે ઘરે વિવાહ) ખવડાવીશ ખીરને ખાંડ પોઢાડીશ ઢોલિએ,
રમાડીશ સાજડી રાત ઓઢાડીશ પાંભડી. રમાડીશ સોગઠે.
સાવર મૈયા કયા બાપા સે, આઇજી ભગતાઇ કરશે. દેવ.
સાવ સોહાગણા કઇ માતાસે, આઇજી કન્યા વરશે. દેવ.
સે આઇજી ભગતાઇ કરસે સે. આઇજી જોગતાઇ કરશે. દેવ.
આજ મારે આંગણીએ કાંઇ હરખ વરખ મોર્યો સોયે વરખ મોર્યો.
કે આંબો કે બહુ ફૂલ્યો રે, આંબલીયાની ડાળ. સીંગાસેણં જ ડેયડો.
સીગ્રાસેણા મળેયડો. થાર ભર્યો રે સાચા મોતીએ રે.
એ વેરે મોતીએ, પાલખો જડ્યો પાલખો મડ્યો.
પાલખે મામલ આઇ બેસણારે, મામલ આઇ બેસે ઘરે.
વધામણ વાગે. ઘરે વધામણ વાગે ઝીણે રે. ભાવિયા પધાર્યા રે.
એકે છંદે બીજે છંદે રમે આઇ મામલ ભોળા
જાઇને જગાડો આઇલા સુતારનો બેટો, સુતારનો બેટો આઇલા પાલખો લઇ આવે.
વંશ મથે દોરી આઇ કે, પાલખડે બેસાડો, એક છંદે બીજે છંદે રમે, આઇ મામલ ભોળા.
જાઇને જગાડો આઇલા સોનીડાનો બેટો, સોનીડાનો બેટો આઇલા ટીલડી લઇ આવે.
વંશ મથે દોરી આઇ કે ટીલડી ચોડાવો, એક છંદે બીજે છંદે રમે આઇ મામલ ભોળા.
જાઇને જગાડો આઇલા, ખત્રીનો બેટો, ખત્રીનો બેટો આઇલા, ચૂંદડી લઇ આવે.
વંશ મથે દોરી આઇ કે ચૂંદડી પેરાવે, એક છંદે બીજે છંદે રમે આઇ મામલ ભોળા.
જાઇને જગાડો આઇલા મણીયારનો બેટો, મણીયારનો બેટો આઇલા ચૂડલો લઇ આવે.
એક છંદે બીજે છંદે રજો આઇ મામલ ભોળા, વંશ મથે દોરી આઇ આઇકે, ચૂડલો પેરાવો.
આવજો કાંઇ હરીઆના કુળના માતરે. મામલ મા.
ધૂપને ધૂમાડે વહેલા આવજો, ભાઇ રે સુતાર વીરા વિનવું.
લાવજો કોઇ મામલ માનું પાલખો રે, મામલ મા.
ધૂપને ધૂમાડે વહેલા આવજો, ભાઇરે સોનીડા વીરા વિનવું.
લાવજો કોઇ મામલ માની ટીલડી રે, મામલ મા.
ધૂપને ધૂમાડે વહેલા આવજો, ભાઇરે ખત્રીડા વીરા વિનવું,
લાવજો કોઇ મામલ માની ચૂંદડી રે મામલ મા.
ધ્રુપને ધૂમાડે વહેલા આવજો, ભાઇરે મણીયારા વીરા વિનવું.
લાવજો કોઇ મામલ માનો ચૂડલો રે મામલ મા.
ધૂપને ધૂમાડે વહેલા આવજો.
ઘોર અંધારી રે, રાતલડીમાં દીઠા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં દીઠા ચાર અસવાર, નીલે ઘોડે રે કોણ ચડે મા, મામલ જો અસવાર.
મામલ માવડી રે રણે ચડ્યામાં સોળે કર્યો શણગાર.
સવા મણની સુખડીમાં અધમણનો કુલેર, જમજો જમજો રે માવલડી તમે રમજો સારી રાત.
ઘોર અંધારી રે રાતલડીમાં દીઠા ચાર અસવાર, ધોળે ઘોડે કોણ ચડે જખ દાદાનો અસવાર.
જખદાદા રે તમે રણે ચડ્યા. દાદા સોળે કર્યો શણગાર.
સવા મણની સુખડી દાદા અધમણનો કુલેર, જમજો જમજો રે જખદાદા કરજો હરીઆ કુળનો ઉદ્ધાર.
રાત અંધારી રે કે ગોરણીયા
માહે હુએ ગીતે જો રાગ. આઇને ચડાવો રે કે ચંદરવો, નીલે ઘોડે રે કે કોણ ચડે, ચડે આઇ મામલજો અસવાર.
આઇને ચડાવો રે કે ચંદરવો, રાત અંધારી રે કે ગોરણીયા.
માહે હુઓ ગીતે જો રાગ આઇને ચડાવો રે કે ચંદરવો, રાત અંધારી રે કે ગોરણીયા માહે થયો ભજને જો રંગ.
લાલ તે રંગની ચૂંદડી રે. રૂડી ચૂંદડી માની ચૂંદડી લહેરાય.
ચૂંદડીમાં ચમકે તારલા રે. રૂડા તારલા રે. માની ચૂંદડી લહેરાય.
નવરંગે રંગી ચૂંદડી રે. રૂડી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
ચૂંદડીમાં ચમકે હીરલા રે. રૂડા હીરલા રે. માની ચૂંદડી લહેરાય.
શોભે મજાની ચૂંદડી રે. રૂડી ચૂંદડી રે. માની ચૂંદડી લહેરાય.
ચૂંદડીમાં ચમકે મુખડું રે. રૂડુ મુખડું રે. માની ચૂંદડી લહેરાય.
અંગે દીપે છે ચૂંદડી રે. રૂડી ચૂંદડી રે. માની ચૂંદડી લહેરાય.
પહેલી ફેરે ફેર ફૂદડી રે. ફેર ફૂદડી રે. માની ચૂંદડી લહેરાય.
લહેરે પવન ઉડે ચૂંદડી રે. ઉડે ચૂંદડી રે. માની ચૂંદડી લહેરાય.
લાલ તે રંગની ચૂંદડી રે. રૂડી ચૂંદડી રે. માની ચૂંદડી લહેરાઇ.
ઑડિટ લૉગ જોવા પ્રવેશ કોડ ઉમેરોEnter admin password to view audit log
ઈ-મેઈલ દાખલ કરો — OTP કોડ આવશેEnter your email to receive a one-time code